Gujarat New Taluka List : ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે નવા 17 તાલુકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી ગુજરાતમાં તાલુકાઓની સંખ્યા હવે કુલ 265 થશે.
સરકારના જણાવ્યા મુજબ, આ નવા તાલુકાઓથી લોકોને સરકારી કચેરીઓ માટે લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે અને વિકાસ કાર્યોમાં વધુ ગતિ આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વહીવટી સરળીકરણનો વિઝન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ઝડપથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. નવા તાલુકા થવાથી નાગરિકોને નજીકમાં જ વહીવટી સેવાઓ મળશે અને સામાજિક, આર્થિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે મોટા ફાયદા થશે.
નવા 17 તાલુકાની યાદી
- વાપીમાંથી નાનાપોંઢા (વલસાડ)
- વાવમાંથી ધરણીધર-ઢીમા (બનાસકાંઠા)
- સોનગઢમાંથી ઉકાઈ (તાપી)
- સંતરામપુરથી ગોધર (મહીસાગર)
- મહુવાથી અંબિકા (સુરત)
- બાયડમાંથી સાઠંબા (અરવલ્લી)
- માંડવીમાંથી અરેઠ (સુરત)
- લુણાવાડાથી કોઠંબા (મહીસાગર)
- કાંકરેજમાંથી ઓગડ(થરા) (બનાસકાંઠા)
- ડેડિયાપાડાથી ચીકદા (નર્મદા)
- દાંતાથી હડાદ (બનાસકાંઠા)
- થરાદમાંથી રાહ (બનાસકાંઠા)
- ઝાલોદમાંથી ગોવિંદગુરૂ લીમડી (દાહોદ)
- ફતેપુરામાંથી સુખસર (દાહોદ)
- કપડવંજ-કઠલાલમાંથી ફાગવેલ (ખેડા)
- જેતપુર પાવીમાંથી કદવાલ (છોટાઉદેપુર)
- ભીલોડાથી શામળાજી (અરવલ્લી)
રાજ્ય સરકારે સાથે સાથે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાને પણ મંજૂરી આપી છે. આ જિલ્લામાં બનાસકાંઠાના 6 તાલુકાઓનો સમાવેશ થશે.
પ્રવક્તા મંત્રી મુજબ, નવા તાલુકા બનતા ગુજરાતના વિકાસશીલ તાલુકાઓની સંખ્યા પણ વધશે અને તેમને સરકારની વિશેષ ગ્રાન્ટનો લાભ મળશે. ટૂંક સમયમાં આ અંગેનું વિધિવત જાહેરનામું બહાર પડશે.
વિવિધ ટેક્નોલોજી સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો.












