ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં એક દિવસ માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025 ના રોજ રાજ્યભરમાં મહારક્તદાન કેમ્પ યોજાવાના હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાનો સમય રહેશે સવારનો
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ જાહેર કરેલા પરિપત્ર અનુસાર, 16 સપ્ટેમ્બરે શાળાઓનો સમય સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રહેશે. સામાન્ય રીતે બપોરે ચાલતી શાળાઓ પણ આ દિવસે ફક્ત સવારે જ ચાલશે.
કેમ લેવાયો આ નિર્ણય?
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને ભારત સરકારના ઓપરેશન સિંદુરના સફળ આયોજનના ભાગરૂપે રાજ્યભરમાં મહારક્તદાન શિબિર(Blood donation camp)નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 300થી વધુ સ્થળોએ સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી રક્તદાન શિબિર યોજાશે. તેમાં પ્રાથમિક શિક્ષકો સહિત તમામ સરકારી કર્મચારીઓને જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
શિક્ષકો-વિદ્યાર્થીઓને પ્રોત્સાહન
સરકારી સૂચનામાં જણાવાયું છે કે આ દિવસે શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ રક્તદાન શિબિરમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓ અને શાળાઓને આ અંગે સૂચના મોકલવામાં આવી છે.












