ગાંધીનગર: ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. હવે ટ્રેક્ટર અને કૃષિ સાધનોની ખરીદી (Tractor Subsidy Yojna) પર ખેડૂતોને વધારાનો ફાયદો મળશે. સાથે જ સરકારએ યોજનાની સમય મર્યાદા 30 દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા GST સુધારાથી કૃષિ ક્ષેત્રને મોટી રાહત મળી છે.
ટ્રેક્ટર પર હવે ફક્ત 5% GST!
હવે સુધી ટ્રેક્ટર પર 12% અને ટ્રેક્ટરના ટાયર તથા અન્ય પાર્ટ્સ પર 18% GST વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે આ દર ઘટાડીને ફક્ત 5% કરવામાં આવ્યો છે.
- જેના કારણે ટ્રેક્ટરની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
- ખેડૂતોને રાજ્ય સરકારની ₹1,00,000 સુધીની સબસીડી ઉપરાંત અંદાજે ₹35,000થી ₹45,000 જેટલો વધુ લાભ થશે.
ખેતીના સાધનો પણ થશે સસ્તા ?
મંત્રીએ જણાવ્યું કે નવા GST સુધારાથી માત્ર ટ્રેક્ટર જ નહીં પરંતુ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો પણ સસ્તા થશે.
સૂક્ષ્મ પિયત પદ્ધતિ (ડ્રિપ-સ્પ્રિંકલર) સાધનો પરનો 12% GST હવે ફક્ત 5% થયો.
સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશકો પરનો 12% GST પણ 5% થયો.
ખાતર બનાવવા માટે જરૂરી અમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પરનો 18% GST પણ ઘટીને ફક્ત 5% રહ્યો.આ નિર્ણયથી ઘરઆંગણે ખાતરનું ઉત્પાદન વધશે અને ખેડૂતોને સમયસર પૂરતું ખાતર ઉપલબ્ધ થશે.
ક્યારે લાગુ પડશે નવો નિયમ?
નવા GST દરો 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.
સરકારએ ખાસ નિર્ણય લીધો છે કે, જે ખેડૂતોની સાધન ખરીદીની મંજૂરી 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવાની હતી અથવા થઈ ગઈ છે, તેઓને પણ નવા દરનો લાભ મળે. એ માટે ખરીદીની સમય મર્યાદા 30 દિવસ લંબાવવામાં આવી છે.
કેટલાં ખેડૂતોને થશે ફાયદો?
રાજ્ય સરકારના આ નિર્ણયથી આશરે 1 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે. ટ્રેક્ટર અને અન્ય સાધનોની ખરીદી પર ખેડૂતોને GST સુધારા કારણે વધારાનો ₹35,000થી ₹45,000 જેટલો નાણાકીય લાભ મળશે.












